Wednesday, January 19, 2011

GOOD THINKING : ખુદની નબળાઈ ઢાંકવા બીજાની ખામી ન જુઓ

ભગવાનને જ્યારે પણ પ્રાર્થના કરવામાં આવે તો સદ્ગુણોની પ્રાપ્તિ થાય તેવી જ પ્રાર્થના કરવી જોઈએ. પરંતુ પ્રાર્થના કરવાની સાથે તેના પર અમલ પણ કરવો જોઈએ નહીંતર પ્રાર્થનાનું ફળ નહીં મળે. સદ્ગુણ માટે પ્રાર્થના કરવાનો અર્થ એ છે કે આપણે સવારે ઊઠીને એક સારું કામ કરવાનો નિર્ણય લઈએ અને રાત્રે ઊંઘતા પહેલાં એક બુરાઈનો ત્યાગ કરીને ઊંઘીએ. જે લોકો આવું કરે છે તેઓ જીવનને ગુણોથી ભરપૂર બનાવી લે છે. પૈસાથી સંપન્ન થવું તો સરળ અને સહજ છે, પરંતુ ગુણોથી સંપન્ન હોવું મુશ્કેલ કામ છે. આવું એટલા માટે બને છે કેમ કે આપણે બુરાઈઓનો ત્યાગ કરવામાં અને સદ્ગુણોને ગ્રહણ કરવામાં નબળા પડીએ છીએ.


આ નબળાઈને કારણે આપણે ગુણો જોવાના બદલે દોષ જોવા લાગીએ છીએ. તમારા વ્યક્તિત્વમાં સર્જનનો ભાવ વિકસાવો. માનવજીવનને કલ્પવૃક્ષ બનાવવાનું શ્રેય આવા રચનાત્મક વિચારોને જ જાય છે. આ તથ્યને સમજીને તમારા ચિંતનને રચનાત્મક બનાવો. વિચારો માનવીના જીવનમાં મહાન શક્તિ છે. તે કર્મના સ્વરૂપે પરિણમે છે અને પરિસ્થિતિ બનીને સામે આવે છે. જૈન મુનિ પ્રજ્ઞાસાગરજીએ તેમના પુસ્તકમાં આ વિષય પર અત્યંત સુંદર વિચારો રજૂ કર્યા છે. 


તેમણે કહ્યું છે કે, કેટલાક લોકો બીજાની ખામીને શા માટે જોતા હોય છે ? પોતાનામાં રહેલી ખામીને છુપાવવા માટે. જે રીતે શિયાળ દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી તો તે દ્રાક્ષને દોષ આપે છે. ખાવાની ઇચ્છા તો છે પરંતુ પોતાની કમજોરી છુપાવવા માટે તે દ્રાક્ષને જ ખાટી બતાવે છે. આ જ રીતે આપણે પણ આપણી નબળાઈઓને છુપાવી-છુપાવીને બીજાની ખામીને જોવાની ટેવ ધરાવતા થઈ ગયા છીએ. 

પં. વિજયશંકર મહેતા