Monday, October 25, 2010

રમણીય અને પવિત્ર તીર્થસ્થાન શુક્લતીર્થ

કબીરજીએ વડની વડવાઇનું દાતણ કરીને તેની ચીર આ સ્થળે નાખેલી તેમાંથી આ ઘટાદાર વડ વિસ્તર્યો જે વર્ષો વર્ષથી ઊભેલો છે

ભરૂચથી ૧૫ કિ.મી.ના અંતરે નર્મદાને કાંઠે આવેલું શુક્લતીર્થ એક રમણીય અને સૌંદર્ય સ્થળ હોવા ઉપરાંત તે એક પવિત્ર યાત્રાસ્થળ પણ છે. નર્મદાને ડાબે કાંઠે મળતી કાવેરી નદીનો સંગમ, નદીની વચ્ચોવચ ૨૫ કિ.મી.ના ઘેરાવાવાળા બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતો ઘટાદાર અને જમાનાથી ઊભેલો કબીરવડ અને આસપાસમાં આવેલાં તીર્થક્ષેત્રો આ સ્થળનું ખાસ આકર્ષણ છે. 

એક દંતકથા મુજબ કબીરજીએ વડની વડવાઇનું દાતણ કરીને તેની ચીર આ સ્થળે નાખેલી તેમાંથી આ વડ વિસ્તર્યો છે. હકીકત જે પણ હોય તે, પણ મર્મનું સત્ય તો આ વિશાળ વડના અવશેષોમાંથી પારખી શકાય છે. કેવો હશે એ જ્યારે ખંડિત નહીં હોય? જેના માટે કવિ નર્મદે લખ્યું છે કે, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પહાડ સરખો, નદી વચ્ચે ઊભો એક સરખો. 

શુક્લતીર્થ પાસે આવેલો કબીરવડનો બેટ નદીની સપાટીથી થોડોક જ ઊચો છે, ત્યાં ફેરી બોટ દ્વારા જઇ શકાય છે. શુક્લતીર્થની બાજુમાં કાળીતીર્થ, ઓકારેશ્વરતીર્થ અને શુક્લતીર્થ એમ ત્રણ તીર્થસ્થાન આવેલાં છે. તેમાં શુક્લતીર્થ પાપવિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ મનાય છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે તેના પુત્ર મરણના આઘાતથી પોતાના જીવનના શેષ દિવસો અહીં પસાર કરેલા.

અહીં દર વરસે કાર્તિકી પૂર્ણિમાએ પાંચ દિવસ સુધી મેળો ભરાય છે. જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઊભરાય છે. આ સ્થળને વિહારધામ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને અહીં પયટર્કોને રહેવા માટેની સગવડ પણ કરવામાં આવે છે. અહીં આવવા માટે ભરૂચથી વાહન મળી રહે છે. 

ભરૂચ પણ ભૃગુતીર્થ તરીકે નર્મદાને કિનારે વસેલું મોટું શહેર છે. આજુબાજુમાં જોવાલાયક સ્થળોમાં ભરૂચથી કબીરવડ જતા રસ્તામાં આવતો સ્વામી તદ્રુપાનંદજીનો મનન આશ્રમ, ભરૂચ પાસે આવેલ અનેક નાનાં મોટાં મંદિરો અને નર્મદાનો રમણીય કિનારો આ સ્થળનો મહિમા અનેક ઘણો વધારે છે. 

અહીં રેલવે માર્ગે તથા મોટરમાર્ગે ભરૂચ સુધી આવીને ફેરી બોટ દ્વારા શુક્લતીર્થ અને કબીરવડના બેટ પર જઇ શકાય છે. ભરૂચ કે જે ભૃગુકચ્છ તરીકે પ્રખ્યાત અને નર્મદાના કિનારે વસેલું પુરાણકાલીન શહેર છે. અહીં ભૃગુઋષિનો આશ્રમ હતો અને તેમના વંશજો ભાર્ગવ તરીકે ઓળખાય છે. નર્મદાના કાંઠે ગુર્જર નરેશ કુમારપાળે બંધાવેલો ભરૂચના કિલ્લાનો કોટ આજે પણ અડીખમ બનીને ઊભો છે. વળી, અહીં નર્મદા નદી પર અંગ્રેજોએ ૧૮૮૧માં બનાવેલો પુલ કે જે ગોલ્ડનબ્રિજ તરીકે પ્રખ્યાત છે. 

આ પુલ બનાવવામાં એટલો બધો ખર્ચ થયેલો કે તેનું નામ જ ગોલ્ડનબ્રિજ પડી ગયું. ભરૂચમાંથી દેશને મળેલા મહાન વ્યક્તિઓ જેમાં ગુજરાતની અસ્મિતાના સંર્વધક તરીકે ઓળખાતા કનૈયાલાલ મુનશી, કવિતા ક્ષેત્રે નામના પામનાર બ.ક.ઠાકોર સંગીત ક્ષેત્રે પંડિત ઓમકારનાથજી જેવા સપૂતો ભરૂચે આપ્યા છે. અહીં સામે કાંઠે આવેલો હંસદેવજીનો આશ્રમ પણ ભરૂચનું ગૌરવ વધારે છે. 

આમ શુક્લતીર્થની યાત્રા દરમિયાન અનેક ધાર્મિક અને ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્ય જોવાનો લહાવો મળી શકે છે. ભરૂચ જિલ્લાના જંબુસરથી ૨૭ કિ.મી. દૂર આવેલું સ્તંભેશ્વર મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ કે જે દરિયામાં આવેલું છે અને ભરતી વખતે તે પાણીમાં ડૂબી જાય છે અને ઓટ આવતા ફરી પાછું પ્રગટ થાય છે અત્યારે જ્યારે શિવલિંગ પર પાણી ફરી વળેલાં હોય ત્યારે તેના અસ્તિત્વ માટે ૩૦ મીટર ઊચું શિખર બનાવાઇ રહ્યું છે જે પણ નેપાળના પશુપતિનાથની યાદ અપાવશે