સાપુતારા ગુજરાતનું હોવા છતાં અમદાવાદ કરતાં મુંબઇથી વધારે નજીક છે. સમુદ્રથી ૧૦૮૩ મીટરની ઊંચાઇ પર આવેલું સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે. સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લાનાં ઘટાટોપ જંગલો વરચે સહ્યાદ્રિ પર્વતમાળા પર આવેલું છે. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે.
સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે. આજુબાજુનાં જંગલોમાં આદિવાસીઓની છૂટીછવાઇ વસાહતો છે. ત્યાનાં આદિવાસીઓનાં પરંપરાગત નૃત્યો પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
તો ચાલો તેના સુંદર સ્થળો ની આપને એક ઝાંખી કરાવું....
ગવર્નર્સ હિલ
દિવસ ઉગતાં તમે આ ખુલ્લા વિસ્તારમાં ટહેલવા નીકળો છો, ત્યારે તમને વિશ્વમાં જીવનને હળવેથી પંપાળતા પ્રકાશના રહસ્યમય નૃત્યની અનૂભૂતિ થાય છે. ખીણો, ઝરણાં અને નાળાઓનું અદભૂત દ્રશ્ય તમને જોવા મળે છે. તમારી જમણી બાજુએ તમે ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ નિર્ધારિત કરતી વાડ જોઈ શકો છો. ચોક્કસ મોસમોમાં સાંજના સમયે તમે ઊંટ પર સવારી કરી શકો છો કે પછી અન્યથા શાંત એવા આ ગિરિમથક પર સ્થાનિક નાસ્તો ખરીદી શકો છો.
રોપ વે
ગવર્નર્સ હિલના રસ્તે તમે વેઇટી રીસોર્ટ પાસેથી પસાર થશો. અહીંથી સનસેટ પોઇન્ટ જવા માટે તમે રોપવે સેવાઓનો ઉપયોગ કરી શકો છો. પર્વતો, ખીણો અને સર્પાકારે વહેતી નદીઓની ઉપર લટકતાં જવાના 15 મિનીટના આ પ્રવાસથી તમે સાપુતારાનું વિહંગાવલોકન કરી શકશો. તમારા દિવસનું આયોજન કરતી વખતે એટલું યાદ રાખજો કે જીપો શહેરના મુખ્ય ભાગથી બે કિમી.ના અંતરે આવેલા બોર્ડિંગ પોઇન્ટ પર સાંજે 5.30થી 6.00 કલાકની વચ્ચેના સમયગાળામાં જ લઈ જાય છે અને કેબલ કાર ઓછામાં ઓછા 12 મુસાફરો ના થાય ત્યાં સુધી ઉપડતી નથી. ટિકિટ ફી રૂ. 40 છે
બગીચાઓ
સાપુતારામાં સુંદર દ્રશ્યો ધરાવતા અસંખ્ય બગીચાઓ આવેલા છે. અહીં તમે વિશ્રામ કરી શકો છો કે પછી ઉજાણીની મજા માણી શકો છો. પુલની પેલે પાર નાસિક જવાના રસ્તે મિલેનીયમ ગાર્ડન છે અને ત્યાંથી આગળ બસ સ્ટોપ પાસે રોઝ ગાર્ડન છે. લેકવ્યૂ અને સ્ટેપ ગાર્ડન જેવી અન્ય સુખદ સંભાવનાઓનો પણ ભેટો થઈ શકે છે.
સરોવર
આ ગિરિમથકનું મુખ્ય આકર્ષણ તેનું સરોવર છે. અહીં બોટિંગની સુવિધા છે અને સરોવરના કિનારે મનોરંજન પૂરું પાડતી સગવડો છે. તમે બોટ-હાઉસ પરથી સવારે 8.30થી સાંજના 6.30 વાગ્યાની વચ્ચે બોટ ભાડે મેળવી શકો છો. અડધા કલાક માટે પેડલ બોટના વ્યકિતદીઠ રૂ. 20 છે અને ર બોટના રૂ. 5 છે.
સીતાવન
સાપુતારાના લીલાછમ જંગલો તેના જંગલઝાડી જેટલાં જ ગાઢ ઇતિહાસ અને દંતકથાઓ ધરાવે છે. સીતાવન માટે કહેવાય છે કે રામે 14 વર્ષના વનવાસ દરમિયાન આ જંગલોમાં 11 વર્ષ ગાળ્યા હતા
કલાકાર ગામ
પ્રદર્શનમાં મુકાયેલી આદિવાસી કલાત્મક ચીજો જોવાનું કે ખરીદવાનું જ આ સ્થળ માત્ર નથી, બલકે કામ કરવાનો લ્હાવો મેળવવાનું પણ સ્થળ છે. વારલી ચિત્રકલા કે આદિવાસી કલાકારીગરીની ચીજો પર હાથ અજમાવવા માટે નિમંત્રિત અને પ્રોત્સાહિત થયાની લાગણી તમે અનુભવશો. ચંદ્રકાંત પરમાર અને સૂર્યા ગોસ્વામી દ્વારા સંચાલિત આ જગ્યા ખાસ કરીને શાળાકીય જૂથો માટે આ વિસ્તારની સંસ્કૃતિને સમજવા માટે સારું સ્થળ છે. સ્થાનિક સમુદાય અત્યંત સસ્તા દરે સાદગીભરી રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડે છે.
પર્વતારોહણ
માનવ પ્રવૃત્તિઓથી અસ્પર્શ્ય, નિર્મળ વાતાવરણોમાં, વાંકા ચૂકા માર્ગો પર, તમે કલ્પના પણ ના કરી હોય તેવી, સૌથી પવિત્ર પગદંડીઓમાંથી કેટલીક સાપુતારામાં તમને જોવા મળશે. આ સર્પાકાર પર્વત એક પર્વતારોહીને હળવાથી માંડીને કઠોર પડકારો ફેંકે છે. ઔદ્યોગિક રીતે ધમધમતા તદ્દન જૂદા ગુજરાતમાં જંગલના ગાઢ આચ્છાદનમાંથી પસાર થતા સાપુતારાના આવા આદિમ અને અદભૂત માર્ગો બહુમૂલ્ય કુદરતી આનંદ આપતા બહુ થોડા સ્થળો પૈકીના એક છે. રાજા પ્રતાપ અને ધુપગઢ નજીર ત્રિધારા જતા ટ્રેકિંગ માર્ગો જાણીતા છે. નજીકના સ્થળો વિભાગમાં નોંધાયેલી પર્વતારોહણની તકો શોધી કાઢવાનું ચુકશો નહીં.
અન્ય રસપ્રદ જોવાલાયક સ્થળો :-
એક ટ્રક સનરાઇઝ પોઇન્ટ તરફ ધસી રહી છે, અને પછી રસ્તો ઇકો પોઇન્ટ તરફ વળે છે. તમને પર્વતમાં એક કુદરતી એમ્ફીથીયેટર મળે છે, જેમાં તમે તમારો પડઘો પાડી શકો છો.
ગાંધી શિખરના નામે જાણીતા સનસેટ પોઇન્ટ પર સાપુતારાનું શ્વાસ થંભાવી દેનારું દ્રશ્ય જોવા મળે છે અને તે શહેરના મધ્યભાગથી થોડાક ડગલાં જ દૂર છે.
મધમાખી ઉછેર કેન્દ્ર પર તમને એ શીખવા મળશે કે મધમાખીઓ કઈ રીતે મધ બનાવે છે. અહીંથી તમે મધ ખરીદીને ઘરે લઈ શકો છો.
ગીરા ધોધ
ચોમાસાની ઋતુ બાદ અહી દૃશ્ય રમણીય બની જાય છે. વઘઈ શહેરથી ૩ કિમી આ ધોધ આવેલો છે. જે અંબિકા નદી પર આવેલો છે. અહી જિ૫ દ્વારા જય શકાય છે.
પાંડવ ગુફા
મહાભારતમાંથી લેવામા આવેલી પાંડવોની પૌરાણીક કથાઓ સાથે જોડાયેલી અને અરાવેલમ ગુફાઓ તરીકે પણ ઓળખાતી પાંડવ ગુફાઓની પ્રાચીનતાનો આસ્વાદ માણો. એવું માનવામાં આવે છે કે પાંડવોએ જંગલમાં તેમના અજ્ઞાતવાસ દરમ્યાન અહીં કેટલોક સમય પસાર કર્યો હતો અને આ ગુફાઓમાં ભગવાન શિવની આરાધના કરી હતી. ગુફાઓ તરફના રસ્તામાં આદિવાસી ગામડાઓ અને કિલ્લોઓના અવશેષોના વૈવિધ્યપૂર્ણ દ્રશ્યો જોવા મળે છે.
આપણા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારાની સફરે એકવાર જરૂર જજો



.jpg)

.jpg)