Monday, October 11, 2010

બાળકોને આપો તેમનું બાળપણ

તમારાં બાળકો આજે નાનાં છે, કાળક્રમે તે યુવાન થઈ જશે અને તેમનું બાળપણ કાળની ગર્તામાં ખોવાઈ જશે. શું તમે નથી ઇચ્છતા કે તમારાં બાળકોનું બાળપણ વીતી જાય તે પહેલાં તેના બાળપણના સાક્ષી બનો. બાળકો સાથે વિતાવેલો એ સમય તમારી જમા પૂંજી છે અને તે તમને વ્યાજ સાથે પરત મળશે, જ્યારે તમારાં બાળકો તમારા આપેલા સંસ્કારો અને મૂલ્યો પર ચાલશે. તો પછી ચાલો આજથી જ તમારાં બાળકોને બાળપણની ભેટ આપવાની શરૂઆત કરીએ.

આજે જાતે સ્કૂલે મૂકવા જાઓ

બાળકોને સમય આપવાની શરૂઆત તેને સવારે જગાડવાથી કે સ્કૂલે જવા માટે તૈયાર કરવાથી કરો. આજે એવું ન થાય કે તેને સ્કૂલબસમાં મોકલવાની જગ્યાએ તમે જ મૂકવા જાઓ. તે સમય દરમિયાન તેની સાથે થોડી મસ્તી પણ કરી લો. તેને વાતો પણ કહેવી હશે, પપ્પા હું આજે સ્કૂલમાં ક્રિકેટ રમ્યો હતો.

મેં સૌથી વધારે રન કર્યા હતા. ટીચરે મને મેથ્સમાં ૧૦માંથી ૧૦ માર્ક આપ્યા હતા, મારું ચિત્ર બધાને ગમ્યું હતું અને સ્કૂલના નોટિસ બોર્ડ પર લગાવ્યું છે. તેની આ વાતો સાંભળીને તમને થશે કે તેને દરરોજ સ્કૂલે મૂકવા જાઉં.

ઓફિસમાંથી ફોન કરો

કામની વ્યસ્તતા હોવા છતાં તેને દિવસમાં એક વખત ફોન કરો. વિચારો કે તે ઘરે શું કરતો હશે, તે ફોન પર કેવી વાત કરશે, તેની વાત સાંભળીને તમે શું વિચારશો. એ જાણવાનો પ્રયત્ન કરો કે તે સાંજે શું કરવાનો છે? તે ક્યાંક ફરવા તો નથી જવાનો ને. જો તે હોય તો તેને કંપની આપવા તમારું કામ તે રીતે સેટ કરીને તેની પાસે પહોંચી જાઓ. ઓફિસમાંથી નીકળતાં જ તેની ચિંતાઓ ભૂલી જાઓ. કારણ કે તમે તમારી સાચી દુનિયામાં જઈ રહ્યા છો.

બાળપણને સમજો

ક્યારેક સાંજે ઘરે જતી વખતે બાળકો માટે તેમની મનગમતી કાર્ટૂન ફિલ્મની સીડી કે તેની ગમતી કોમિક બુક કે સ્ટોરી બુક લઈ જાઓ. ઘરે ગયા પછી ટીવી જોયા વગર તેની સાથે વાતો કરો, તેની લાગણીઓ જાણવાનો પ્રયત્ન કરો. તેના વિચારોને સમજવાનો આ સરળ રસ્તો છે. તે સિવાય પણ તમારી અને બાળકોની વચ્ચે લાગણીઓનો સેતુ બાંધવાનો આ જ સમય છે.

સાથે મળીને કંઈક કરીએ

તમે બાળપણમાં કાગળની હોડી, ફૂલ, માસ્ક, ફ્લાઈંગ ઓબ્જેકટ જેવી ઘણી વસ્તુઓ બનાવી હશે. બાળકો સાથે રમતાં રમતાં તેમને પણ તે બનાવતા શીખવો. તેમાં પણ જો મા-દીકરી સાથે મળીને રસોઈ બનાવે તો સૌથી સારી વાત છે. ગાર્ડનિંગમાં પણ બાળકો સાથે સમય પસાર કરો.

કંઈક સ્પેશિયલ કરીએ

એમ લાગે કે આજે ખાસ કંઈ કામ નથી તો બાળકો સાથે કામ કરવાનું વિચારો. તેમના મિત્રોને ઘરે બોલાવો. તેમની સાથે ગેટ ટુ ગેધર રાખો. તેમને કહો કે તમારે જે કરવું હોય તે કરો. આજે બધું જ તેમની મરજી પ્રમાણે થશે.

સાથે ડીનર કરો

ઓફિસના કામકાજમાંથી સમય કાઢીને બાળકો સાથે ડીનર કરવાનું આયોજન કરો. તે દરમિયાન તેમની પરેશાનીઓ, ગુસ્સો અને મજાકને હળવેથી સાંભળો. તેમની વાત સાંભળીને ગુસ્સો ન કરો અને ખાસ તો તમારા વિચારો તેની પર ઠોકી ન બેસાડો. જો તેમની વાત ખોટી હોય તો તેને પ્રેમથી સમજાવો.


જુદા જુદા લેખો , નવયુગ ની પ્રવુંતીઓના અહેવાલો વાંચવા માટે
જરૂર ઈન્ટરનેટ પર આ બ્લોગ ઓપન કરજો
www.navyugg.blogspot.com
અથવા www.navyugschoolmorbi.com પર લોગ ઓન કરી તેમાં Navyug LIVE પર કલીક કરવાથી આ બ્લોગ ઓપન થશે.