માબાપ પોતાનાં શિશુઓને ઊઠવા, બેસવા, બોલવા આદિનું
શિક્ષણ આપે છે. આસપાસનો સમાજ પોતાની સામાજિક રીતભાતોની એક અથવા બીજી રીતે તાલીમ
આપે છે; જુદીજુદી કક્ષાના વ્યવસાયીઓ પોતપોતાના લાગતાવળગતાને
વ્યાવસાયિક વૃત્તિના સંસ્કાર આપે છે. આ બધું ખરું, પણ છેવટે એ બધા
શિક્ષકનું સ્થાન લઈ શકતા નથી.
શિક્ષક
તો શીખનારને ઘર, સમાજ
અને વ્યવસાયનાં ક્ષેત્રે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે જે સંસ્કારો લાધ્યા હોય તે
તમામને સૂક્ષ્મ રીતે વ્યાપકપણે ઊંડાણથી એવા સંસ્કારે છે કે જેને લીધે શિખાઉ
વિદ્યાર્થી પહેલાંના સાંકડા અને નાના ચોકમાંથી જ્ઞાન-વિજ્ઞાનના વિશાળ પટ ઉપરથી
વિહરતો થઈ જાય છે. આ ઉપરાંત શિક્ષકની વિશેષતા એ છે કે તેની પાસે શિક્ષણ લેવા આવનાર
વર્ગમાં નથી હોતો કોઈ જાતિભેદ, પંથભેદ, દેશભેદ કે ઓછીવત્તી શક્તિ ધરાવનારનો ભેદ. શિક્ષક – ખરો શિક્ષક પોતાના વિષયનું શિક્ષણ મેઘ જેવી ઉદારતાથી
અને સૂર્ય જેવા અભેદભાવથી આપે છે. તેને લીધે જિજ્ઞાસુ અને પુરુષાર્થી વિદ્યાર્થી કલ્પી
ન શકાય તેવું રૂપાંતર પામે છે.
યુવાન હૃદયવાળા શિક્ષકો
પ્રત્યેક સવાર વિધાર્થીઓ માટે
નવા વિચારો લઇને આવે છે. શિક્ષકને માટે દરેક દિવસ શિક્ષકદિન હોવો જોઈએ.
દિનપ્રતિદિન શિક્ષણમાં આવેલ બદલાવને સ્વીકારનાર શિક્ષક જ આધુનિક શિક્ષણ સાથે
તાલમેલ મિલાવી શકશે. આવનારો સમય આવા નવા પરિવર્તન સ્વીકારનાર શિક્ષકો માટે
ગોલ્ડન તકો લઈને આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી...
"The good teacher makes the poor student good and the good student
superior."
Marva Collins.