Sunday, September 22, 2013

એક સારો વિચાર

તમે પેલા ગાંધીજીના ત્રણ વાંદરાનું ચિત્ર જોયું જ હશે. એક વાંદરો હાથથી આંખો બંધ કરીને બેઠો છે. બીજો બંને કાન પર હાથ મૂકી કાન બંધ કરીને બેઠો છે. ત્રીજો વાંદરો મોં પર બંને હાથ મૂકીને મોં બંધ કરીને બેઠો છે. આ ત્રણે વાંદરા મનના ખોરાકની જ વાત કરે છે. મન જેવું સાંભળશે, બોલશે, જોશે, વાંચશે, વિચારશે એવું ઘડાશે અને જેવું મન ઘડાશે એવો માણસ ઘડાશે અને એટલી જ પ્રગતિ કરી શકશે.

મનના ખોરાકનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને નાના બાળકોમાંથી મળે છે. બાળકને જો તમારે સારી બાબત શીખવવી હશે તો તમારે તેની પાછળ ખાસ મહેનત કરવી પડશે. આપણી આજુબાજુના વાતાવરણમાંથી ઘણી વાર સારી બાબતો મળતી નથી. તેથી મનને સારો ખોરાક મળતો નથી. તેથી મન સારી રીતે ઘડાતું નથી. જો તમે બાળકને કોઈ ખરાબ વસ્તીમાં મૂકી આવશો તો બાળક થોડા દિવસોમાં ખરાબ શબ્દો બોલતાં શીખી જશે. કારણ કે ત્યાં એવા હલકાં શબ્દો જ તેના કાને પડશે. કાન દ્વારા આવો હલકો ખોરાક મનને મળે છે. તે પ્રમાણે મન ઘડાય છે અને મનમાં ઘડાયેલું મોંએથી બહાર નીકળે છે.
અભ્યાસમાં આવતી કવિતા બાળકને મોઢે કરાવવી પડે છે. પણ ફિલ્મીગીતો મોઢે કરાવવાં પડતાં નથી. કારણ કે બાળકને કવિતા શાળામાં ફક્ત ગુજરાતીના પિરિયડ દરમિયાન માંડ એકાદવાર સાંભળવા મળે છે. એટલે તેના મન સુધી કવિતા પૂરી પહોંચતી નથી. મનમાં ઊતરતી નથી. એટલે કે તેના મનને કવિતા શીખવી છે પણ તેને કવિતારૂપી ખોરાક મળતો નથી. જ્યારે ફિલ્મી ગીતો તેને ઘેર, ઘરની બહાર, રસ્તામાં બધે જ વારંવાર સાંભળવા મળે છે. આવો ફિલ્મી ગીતોનો ખોરાક મનને સતત મળ્યા જ કરે છે. બાળક ફિલ્મી ગીતો આપમેળે શીખી જાય છે. જેમ ફિલ્મી ગીતો સાંભળવા મળે છે, એ રીતે બાળકને વારંવાર સંસ્કૃતના શ્લોકો બધે જ સાંભળવા મળે તો બાળકને કશું જ સંસ્કૃત ભણ્યા વગર સંસ્કૃતના અઘરામાં અઘરા શ્લોકો પણ મોઢે થઈ જાય અને તે આનંદથી શ્લોકો ગાવા લાગે.




એક સારો વિચાર બીજા અનેક સારા વિચારોને ખેંચી લાવશે અને મન દિવસે-દિવસે વધારે મક્કમ બનતું જશે. તમારું મનોબળ આ રીતે દ્રઢ બનશે. દઢ મનોબળથી દુનિયામાં કોઈ કામ અશક્ય નથી. તમારું મનોબળ દઢ કરવા માટે તમે આજથી જ, આજથી જ નહિ પણ અત્યારથી જ લાગી જાવ. મનને સૌ પ્રથમ તો એવા વિચારો આપો કે મનને સહેલાઈથી કેળવી શકાય છે અને હું મારા મનને દઢ બનાવીને જ જંપીશ.