Thursday, January 26, 2012

અપેક્ષાઓની આગમાં હોમાતાં સંતાનો

પોતાના બાળકની ક્ષમતા કે રુચિની પરખ ન હોય એ મા-બાપ બાળકોમાં હિંમત અને વિપરીત સંજોગોનો સામનો કરવાની ક્ષમતા કઇ રીતે સીંચી શકવાનાં?...મા-બાપ ફફડી રહ્યાં છે આ ઘટનાઓથી. ઘરમાં હોય ત્યારે ટેલિફોનની ઘંટડી વાગે છે ને માનું દિલ ધડકે છે, કોઇ ખરાબ સમાચાર તો નહીં હોય ને! તો બહારથી ઘરે આવે ત્યારે બંધ બારણાં પાછળ કોઇ દુઘટર્ના તો નહીં ઘટી હોય ને, એવો ફડકો રહે છે!

હંમેશાં હસતો ને સલામ સાબકહી મકાનના રહેવાસીઓનું અભિવાદન કરતો સિક્યુરિટી ગાર્ડ સુરતાસિંગ હમણા થોડા દિવસોથી ગુમસૂમ લાગતો હતો. તેના હોઠ પરથી હાસ્ય જાણે અદ્રશ્ય થઇ ગયું હતું. સલામ તો બધાને કરતો હતો પણ તેના શબ્દોમાં જાન નહોતી. એક દિવસ મેં તેને કારણ પૂછ્યું. તેનો જવાબ હતો, ‘મેડમ, વો એજન્ટ પૈસે એંઠ કર બૈઠ ગયા હૈ ઔર અબ રોજ ધક્કા ખિલાતા હૈ.

આવતાં-જતાં સુરતાની સલામના જવાબમાં હું એના હાલચાલ પૂછું. એક દિવસ એવી જ એક આપ-લે દરમિયાન તેણે તેના દીકરા માટે બિદેશ મેં કોઇ ચાન્સ’(તક) હોય તો જોવા કહેલું. તેનો યુવાન દીકરો સુખવિન્દર હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરીને શહેરની એક ટોચની ફાઇવ સ્ટાર હોટેલમાં શેફનું કામ કરે છે, પણ તેને પરદેશ જઇ મોટા પગારની નોકરી કરવી છે. મેં એને કહેલું પરદેશમાં તો મારા કોઇ સંપર્ક નથી.

થોડા દિવસ પછી એક વાર ખુશખુશાલ ચહેરે સુરતાએ વધામણી આપી હતી કે સુખવિન્દરને અમેરિકામાં નોકરી મળી છે. મોટો પગાર છે. રહેવાનું-જમવાનું ને ટ્રેનિંગ બધું કંપનીના ખર્ચે. ખુશ થઇ મેં એને અભિનંદન આપ્યાં હતાં. જવાબમાં સુરતાએ હોંશે-હોંશે, વણપૂછી ઘણી બધી વાતો કરી હતી.

દીકરાની નોકરી માટે સુરતાસિંગે એક એજન્ટને સાડાત્રણ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, એ એજન્ટ જ આવતા મહિને સુખવિન્દરને અમેરિકા મોકલવાનો હતો. સુરતાની વાત સાંભળી હું ચોંકી ગયેલી! મેં એને કહેલું આટલા બધા રૂપિયા આપવાની શું જરૂર છે?

ક્યાંથી ઊભા કર્યા?’ તેણે કહેલું, ‘મેરી કુછ એફ.ડી. થી ઔર બાકી કા ગાંવ મેં પૂરખોં કી જમીન કો ગિરવી રખ કર...એનું આ એજન્ટવાળું પગલું મને ન ગમ્યું. જો કે સુરતાને ખાતરી હતી કે સુખવિન્દરે કહ્યું હતું એમ એક વાર નોકરી શરૂ થઇ જશે પછી જમીન છોડાવી લેવામાં જરાય વાર નહીં લાગે.

આ પહેલાં, તેના દીકરાને જ્યારે હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરવો હતો ત્યારે પણ દીકરાને એવી હાઇ-ફાઇ કેટરિંગ કોલેજમાં મોકલવાને બદલે ગવર્નમેન્ટ કોલેજમાં એડમિશન લેવાની વણમાગી સલાહ મેં સુરતાસિંગને આપેલી, પણ યુવાન દીકરાએ બાપને સમજાવેલું કે સારી કોલેજમાં ભણશે તો જ સારી નોકરી મળશે!

સુરતાની વાત સાંભળી મને સમજાઇ ગયું કે લેભાગુ એજન્ટ આ બાપ-દીકરાને છેતરી ગયો છે. મને સુરતાના દીકરા પર ખૂબ ગુસ્સો આવ્યો. મહેનતકશ બાપની પસીનાની કમાઇને પોતાનાં સપનાં પાછળ તેણે વેડફી હતી!

મેં સુરતાને કહ્યું, ‘હવે બહુ થયું. તારા દીકરાની કોઇ પણ ઇચ્છા પૂરી કરવા માટે હવે તું લાંબો થતો નહીં. એક પણ પૈસો આપતો નહીં અને તેને કહેજે કે આ મેં ખર્ચેલી મારી મૂડી પણ ધીરે ધીરે બચત કરીને પરત કરજે. એમ કરીશ તો જ તેને પૈસાની કિંમત સમજાશે.

મારી વાત સાંભળી એ એકદમ ગભરાઇને બોલ્યો, ‘મેમસાબ, આજ આપ કી બાત મુઝે સચ લગ રહી હૈ. આપને પહેલે ભી મુઝે ટોકા થા. પર ઇસ વકત બચ્ચે કો ઐસે કૈસે બોલું? વહ ખુદ ભી બેચારા કિતના પરેશાન હૈ. ઔર આજકાલ આપ દેખતી હૈ ન બચ્ચે કૈસા કૈસા સ્ટેપ લે રહેં હૈં!

સુરતાનો ઇશારો તાજેતરમાં થયેલી વિદ્યાર્થીઓની આત્મહત્યા પ્રત્યે હતો. એની વાતમાં તથ્ય હતું. છેતરાયેલો દીકરો બાપની સાચી સલાહ પણ ખમી ન શકે એ શક્ય હતું. નવા વર્ષના પહેલા જ સપ્તાહમાં સાત વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. ઉંમર? બારથી અઢાર વર્ષની!

શું દુ:ખ હતું આ ઊગતા સિતારાઓને? હજી તો જિંદગીના સૌથી ખુશહાલ અને કેર-ફ્રી ગણાય તેવા તબક્કામાં હતા એ બધા! ભણવા અને ખેલવા-કૂદવાના દિવસો હતા તેમના. તેમની તમામ જરૂરિયાતની સંભાળ લેવા તેમનાં મા-બાપ હતાં. વળી આમાંથી મોટા ભાગના સમાજના સુખી કહેવાય તેવા વર્ગના પ્રતિનિધિ હતા!

જાણવા મળ્યું એ અનુસાર કોઇને ભણવા માટે મા-બાપે ટોકયા હતા તો કોઇ પરીક્ષામાં ફેઇલ થયું હતું! કોઇથી પોતાના હમ-ઉમ્ર કઝિનના આકસ્મિક મોતનો આઘાત સહન નહોતો થયો તો કોઇને રિયાલિટી શોમાં ભાગ લેવા ન મળ્યો તેનો ઘા હતો!

અરે, બાર વર્ષની એક છોકરી બહુ સરસ ગાતી હતી. તેને ટી.વી. પર આવતા રિયાલિટી શોમાં ટોપર બનવું હતું, પણ તેનાં મા-બાપને લાગતું હતું કે ગાવાના શોખની પાછળ તેનું ભણવાનું રખડે છે, એટલે તેમણે દીકરીને શોમાં ભાગ લેવાની ના પાડી હતી. આ કારણે એ બાર વરસની છોકરી પંખા પર લટકીને જાન આપી દે છે!

અઢાર વર્ષનો વિનીત અઠવાડિયા પહેલાં થ્રી ઇડિયટ્સજોઇને પપ્પાને કહેતો હતો, ‘લોકો કઇ રીતે આમ પોતાની જિંદગીનો અંત લાવી દેતા હશે? થેન્ક ગોડ, આઇ એમ નોટ વન એમંગ ધેમ.અને સાતમે દિવસે એ છોકરો પોતે આત્મહત્યા કરે છે! આટલી નાની ઉંમરમાં કોઇને જિંદગીનો બોજ અસહ્ય લાગે છે!

ખરેખર, કંપાવી દે છે આ બચ્ચાંઓના નિર્ણયો! મા-બાપ ફફડી રહ્યાં છે આ ઘટનાઓથી. ઘરમાં હોય ત્યારે ટેલિફોનની ઘંટડી વાગે છે ને માનું દિલ ધડકે છે, કોઇ ખરાબ સમાચાર તો નહીં હોય ને! તો બહારથી ઘરે આવે ત્યારે બંધ બારણાં પાછળ કોઇ દુઘટર્ના તો નહીં ઘટી હોય ને! એવો ફડકો રહે છે!

આ સંજોગોમાં સુરતાસિંગ જેવા પેરેન્ટ્સ ડરના માર્યા છોકરાઓને સાચી શીખ આપતા ડરે છે! બાળકનાં હિતની વાત પણ તેમને કહેતાં ગભરાય છે! તેમને નહીં ગમે તો! પછી ભલે તેમને થઇ રહેલાં નુકસાનને રોકવા માટેની એ તાકિદ હોય કે તેમણે લીધેલો કોઇ ખોટો નિર્ણય સુધારવાની ટકોર હોય!

બાળકોની સહનશક્તિ આટલી તકલાદી કે સંપૂર્ણપણે સુરક્ષિત એવી એમની જિંદગીમાં બનતી એકાદ નાનકડી ઘટના તેમને જિંદગી જેવી મહામૂલી ભેટને ફૂંકી મારવા સુધી દોરી જાય? આ કેવી પરિસ્થિતિ? આ શું આધુનિક અભિગમની દેન છે? કે પોતાની અપેક્ષાઓનો ધરખમ બોજ સંતાનોના શિરે થોપી દેતાં મા-બાપોનો ઇમોશનલ અત્યાચાર? કે સંતાનો સમજી શકે તેવી ભાષામાં તેમની સાથે કમ્યુનિકેટ ન કરી શકવાની મા-બાપની અણઆવડત?

આ પ્રશ્નનો જવાબ એટલો સરળ ને સીધો નથી. અનેક પરિબળો, પરિસ્થિતિઓ અને પ્રસંગો કદાચ એની પાછળ પ્રવૃત્ત હોઇ શકે પરંતુ એટલું ચોક્કસ કે પોતાના બાળકની ક્ષમતા કે રુચિની પરખ ન હોય એ મા-બાપ બાળકોમાં હિંમત અને વિપરીત સંજોગોનો સામનો કરવાની ક્ષમતા કઇ રીતે સીંચી શકવાનાં?

એક મિત્રે કહ્યું, ‘બાર-તેર વર્ષના બચ્ચાને આત્મહત્યા કરવાનો વિચાર પણ કેમ આવે?’ સાચી વાત છે, પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના આ યુગના બાળકો બહુ ઝડપથી બાળક મટી રહ્યાં છે એની આ એક વધુ એંધાણી છે. એક જ સપ્તાહમાં આટલા બધી આત્મહત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા તે કેટલાક લોકોએ તેને અત્યારની હિટ ફિલ્મ થ્રી ઇડિયટ્સસાથે સાંકળ્યા પણ એ ફિલ્મે તો એ પરિસ્થિતિ તરફ દોરી જતાં પરિબળોને ખોલી બતાવ્યાં છે.

મા-બાપો અને શિક્ષકો સૌ કોઇને ચીંધી બતાવ્યું છે કે બાળકોને, કિશોરોને કે યુવાઓને રેટ રેસમાં જોતરવાની માનસિકતા કેટલી ઘાતક છે. દેશના કેટલાક ઉત્તમોત્તમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પોતાની અભિરુચિને કચડીને મા-બાપ કે મેન્ટર્સની અપેક્ષાઓને સંતોષવાની ફરજ પડે છે ત્યારે તેમનાં નાજુક મન-હૃદય પર અતિ તીવ્ર આઘાત પડે છે.

અત્યંત દુ:ખની વાત તો એ છે કે પેલી મેડનિંગ રેટ રેસમાં અભિન્નપણે જોતરાઇ ગયેલાં મા-બાપોને કે શિક્ષકોને ક્યારેક એનો અંદાજ પણ નથી આવતો! આજે વધી રહેલા આત્મહત્યાના બનાવોએ દરેક વાલીને જાતને ટટોળીને આત્મખોજ કરવાની ફરજ પાડી છે કે પોતાની અપેક્ષાની આગમાં ક્યાંક તેમનાં સંતાનો હોમાઇ તો નથી રહ્યાં ને!