Thursday, July 25, 2013

સમયની સાથે ....................

જિંદગી જેના વડે બનેલી છે તે છે સમય. છતાં આપણે સૌથી વધારે બેદરકારીપૂર્વક જો કશું વેડફતા હોઈએ તો તે સમય છે. સમય બરબાદ કરવો એટલે જીવન બરબાદ કરવું. આપણામાંના ઘણા રોજ આ રીતે આત્મહત્યાકરે છે. વર્તમાન ક્ષણ પ્રત્યેની જાગૃતિથી આપણી આંતરિક શક્તિ જાગે છે. પ્રત્યેક પળે પોતાની અંદર અને બહાર શું ચાલી રહ્યું છે તેના પ્રત્યે એકાગ્ર થવાથી એક જાતના આનંદ અને હળવાશનો અનુભવ થાય છે. આ જ છે વર્તમાન ક્ષણમાં જીવવાની કળા. જો સાચે જ આંતરિક શક્તિ ખીલવવી હોય તો વર્તમાનમાં જીવવાની કળા શીખવી જ પડશે.
આ કળા દરેકને આવડી શકે, છતાં આ એક દુર્લભ કળા છે કારણ કે જે ક્ષણ સામે આવીને ઊભેલી છે તે ક્ષણનું માહાત્મ્ય સમજવું સહેલું નથી. સમય સૌથી વધારે મૂલ્યવાન છે, પણ તેના મૂલ્યની સૌથી વધારે ઉપેક્ષા થાય છે. જે વ્યક્તિ એનું મૂલ્ય સમજીને એને જીવી જાય છે તે જીતી જાય છે, સમૃદ્ધ બની જાય છે, ને જે તેના મૂલ્યને સમજતો નથી તે જિંદગીનું દેવાળું ફૂંકે છે, વર્તમાન ક્ષણને જાગૃતિથી જીવી શકાય છે કે પછી બેદરકારીથી વેડફી શકાય છે.