Tuesday, July 16, 2013

‘બેન ! મારા દીકરાનાં એડમિશન માટે આવ્યો છું. મળી તો જશે ને ?’



બેન ! મારા દીકરાનાં એડમિશન માટે આવ્યો છું. મળી તો જશે ને ?’
ભાઈ ! હજી તમે અંદર તો આવો, બેસો, શાંતિથી વાતચીત કરો અને પછી તપાસ કરો ને પછી પ્રશ્ન પૂછો. આ કંઈ કોઈ ખરીદીની ઓછી જ વાત છે કે ભાવ પૂછ્યો ને વસ્તુ ખરીદી લીધી !
ના બેન, એવું તો નહીં…. પણ અત્યારે એડમિશન મળવા બહુ જ મુશ્કેલ છે એટલે મને બહુ જ ચિંતા થાય છે.
અને એ ભાઈ એમના બાબાને લઈને મારી ઑફિસમાં આવ્યા, મારી સામેની ખુરશીમાં બેઠા, બાબાને પાસે ઊભો રાખ્યો. પણ બાબોય ખાસ્સો ધમાલિયો. હજી એ ભાઈ ગોઠવાય છે એ પહેલાં તો એણે ટેબલ પરથી પેન, કાગળો, પેપરવેઈટ, બધું જ આમતેમ કરવા માંડ્યું. હું પણ મૂંઝાઈ, એ ભાઈ જે પ્રશ્નો પૂછે તેનાં જવાબો આપવામાં ધ્યાન આપું કે એમનો દીકરો આ બધું અસ્તવ્યસ્ત કરી રહ્યો છે એને વારું ! આ બધી જ મથામણ દરમ્યાન એની મમ્મી તો સામી ખુરશીમાં નિશ્ચિંતે બેઠી હતી. માત્ર વાત સાંભળી રહી હતી. એના પોતાના બાળકની આ ધમાલ પ્રત્યે તેનું જરા પણ ધ્યાન કે અકળામણ હોય એવું લાગ્યું નહીં અને એટલે મારે ખાસ કહેવું પડ્યું :
બેન, બાબાને તમારી પાસે લઈ લો. એ અહીં ધમાલ કરે છે.અને એ જાણે તંદ્રામાંથી જાગતાં હોય તેમ તેમણે બાબાનું બાવડું પકડીને તેમની તરફ ખેંચ્યો, કાન આમળ્યો. આંખ કાઢી અને એટલે બાબો તો જોરશોરથી ડુસકાં ભરતો ઘાંટા પાડીને રડવા માંડ્યો. મારી ઑફિસ તો ગાજી ઊઠી. હુંય મૂંઝાઈ, હવે કરવું શું ? ને મેં પ્રશ્નાર્થભરી દષ્ટિએ પેલા ભાઈ સામે જોયું…. એટલે એ ભાઈને એમના દીકરાનાં તોફાનની ગંભીરતાનો ખ્યાલ આવ્યો ને એમણે શરૂ કર્યું.
સ્પંદન, ચાલ ડાહ્યો થઈને બેસી જા તો, આમ આવે છે કે નહીં ! નહીં તો બેન હમણાં તને અંગૂઠા પકડાવશે.સ્પંદન તો એની મસ્તીમાં મહાલી રહ્યો હતો. એને વળી અંગૂઠા પકડવા એટલે શું એ ક્યાંથી ખબર હોય ! એનું તોફાન તો ચાલુ જ હતું. મારે એના મમ્મીને કહેવું પડ્યું, ‘બેન ! એને તમારી પાસે તમારા ખોળામાં લઈ લો.તો એની મમ્મી વળી કહે : આમ આવે છે કે નહીં ! જો હમણાં પોલીસ આવશે તો પકડી જશે.ને મને એક ઘેરો આઘાત લાગ્યો. આ તે કેવા માબાપ ! એના પપ્પા આટલા નાના બાળકને અંગૂઠા પકડાવશે એમ કહે છે. મા એને પોલીસ પાસે પકડાવાની વાત કરે છે. આટલા નાના અઢી વર્ષના બાળકને આ માબાપ શું કરી રહ્યાં છે !

બાળકને લઈને સામાન્ય રીતે મારી ઑફિસમાં માબાપ આવે એટલે નાનકડું બાળક તો નિજાનંદની મસ્તીમાં જ મહાલતું હોય એટલે એ જાતજાતની વસ્તુઓ ફેંદે, ખેંચે, ધમાધમ કરે એ તો સાહજિક જ હોય, પણ મમ્મી કે પપ્પા સાથે હોય એટલે એમણે એ ધ્યાન રાખવું પડે કે એ બાલસહજ પ્રવૃત્તિથી બીજાને મુશ્કેલી તો ઊભી થતી નથી ને ! એ માટે એની પ્રવૃત્તિ પાછળ પૂરતું ધ્યાન આપવું પડે. તેને શાંતિથી સમજાવવું પડે, વહાલથી વારવું પડે, પણ આજે તો મમ્મી કે પપ્પામાં એ ધીરજ, એ ક્ષમતા જ ક્યાં છે ! છોકરું છે, તોફાન તો કરે જ ને ! પણ એને વહાલથી સમજાવવું પડે કે એ વસ્તુને કેમ ન અડકાય, અડકીએ તો તૂટી જાય, તૂટી ન જાય તે માટે કેવી રીતે તે જોવાય. બાળકને પાસે રહીને તે બતાવવી પડે. ઈશ્વરે બાળકમાં જિજ્ઞાસાવૃત્તિ મૂકી છે. સવાર પડે ને માણસ આંખ ખોલે ત્યારથી જ તેની નજર સમક્ષ જે કંઈ આવે તે બધી જ વસ્તુઓ માટે તેના મગજમાં પ્રશ્નોની સતત હારમાળા ચાલતી જ હશે ! એના એ પ્રશ્નોનાં જવાબો આપણે ન આપીએ, ન આપી શકીએ તો એ વસ્તુઓને સ્વયંપણે હાથમાં લઈને એનો અભ્યાસ કરવા પ્રેરાશે, એ સાહજિક છે જેને આપણે તોફાન અને ઉધમાત કહીએ છીએ અને એમાંથી છૂટવા એને બીક બતાવીએ છીએ, ક્યારેક બાવાની, ક્યારેક પોલીસની તો ક્યારેક અંગૂઠા પકડાવવાની; અને જ્યારે આવા માબાપને હું જોઉં છું ત્યારે મને થાય છે, સ્કૂલ બાળકો માટે ચલાવીએ છીએ પણ શું માબાપ માટે પણ સ્કૂલ ખોલવાની હવે જરૂર ઊભી નથી થઈ ! બાળકને માત્ર જન્મ આપવાથી જ માબાપ ઓછાં બની જવાય છે ! એ માટે તો બાળક સાથે પળેપળ જીવવું પડે છે. એની રગેરગમાં વણાઈ જવું પડે છે.
અને એમાંય હજી બાળક સ્કૂલમાં પ્રવેશે એ પહેલાં જ એને ટીચર લડશે’, ‘ટીચર મારશે’, ‘ટીચર અંગૂઠા પકડાવશેએવું અઢી વર્ષના બાળકના મગજમાં ઠસાવવામાં આવે તો એ બાળકને સ્કૂલમાં આવવાનું મન જ ક્યાંથી થાય ! સ્કૂલ માટેનો અણગમો પહેલેથી જ બાળકના મગજમાં ઠસાવી દીધો હોય એટલે એ બાળકને સ્કૂલમાં આવવું તો ન જ ગમે, પણ ભણવું ય ન ગમે. આ તો પેલું આપણે દીકરીના ઉછેરમાં કરીએ છીએ તેવું જ કરીએ છીએ ને ! દીકરી નાની હોય ત્યારથી તેને ટોકીએ સાસરે જશે ત્યારે આમ થશે, સાસુ વઢશે.પહેલેથી જ એના મગજમાં સાસરા પ્રત્યે એક નિષેધાત્મક મનોવલણ ઊભું કરી દઈએ એ મનોવલણ મોટી ઉંમરે ક્યારેક કેટલી બધી મુશ્કેલીઓ ઊભી કરે છે ! અને એટલે મારે તો જ્યારે બાળકને લઈને આવા વાલી આવે છે ત્યારે સૌપ્રથમ તો એ વાલીને શિક્ષણ આપવાનો પ્રશ્ન ઊભો થાય છે. આવા વાલીને એ પણ ખબર નહીં હોય કે, આજે તો બાળકને અંગૂઠા પકડાવવાની તો ક્યાં વાત કરવી ! અરે ! ગમે તેટલું તોફાન કરે તો શિક્ષકે હાથ પણ નહીં અડકાડવાનો એવો કાયદો થઈ ગયો છે. આજે બાળકોના વિકાસ માટે કેટલી બધી જાગૃતિ આવી ગઈ છે ! ભાર વિનાનું ભણતર, બાળકોનો વિકાસ થાય, તે માટે રોજેરોજ નીત નવા પ્રયોગો થયાં જ કરે છે. મેડમ મોન્ટેસરીએ તો બાલશિક્ષણની આખી એક નવી તરાહ જ શરૂ કરી. બાળકને ખીલવા દો, પાંગરવા દો, એના હીરને ઓળખો, એને રુંધી ન નાખો, રોકટોકથી એને મૂરઝાવી ન દો, એમાંય બીક તો બાળક ઉપર બહુ જ વિપરીત અસર કરે છે. એને અસલામતી લાગે છે.
આજના માબાપોની ફરિયાદ હોય છે આજનાં છોકરાંઓને ભણવું જ નથી ગમતું….’ ક્યાંથી ગમે ? નાનું હોય ત્યારથી જ સ્કૂલ માટે આમ નિષેધાત્મક મનોવલણ ઊભું કર્યું હોય. ટીચર્સ તો મારે જ, શિક્ષા કરેએવું મનમાં ઠસાવી દીધું હોય એ શિક્ષકો ભણાવે એમાંય છોકરાને ક્યાંથી રસ પડે ! બાળકો તો શિક્ષકની આંખમાંથી નીતરતો પ્રેમ અને એમની પાસેથી જ્ઞાન ઝંખતા હોય છે. આજના કેટલા શિક્ષકો બાળકની આ અપેક્ષા પૂરી કરી શકે છે !
ઘેર મમ્મી ભણાવવા બેસે તો પણ કેટલી મમ્મીઓ રસથી, વહાલથી ભણાવતી તમે જોઈ છે ! આજની શિક્ષિત કહેવાતી મમ્મીઓને દરેકને તેના બાળકોને ટોપર બનાવવું છે અને તેનું ટેન્શન એના માથા પર એવું તો સવાર થઈ ગયું છે કે બાળકને એ ભણાવે છે ખરી પણ રિલેક્સેશનથી ભણાવી શકતી જ નથી. બાળકને સહેજ ન આવડે એટલે એટલી અકળાઈ ઊઠે છે કે બાળક એનો આત્મવિશ્વાસ ગુમાવી દે છે. અરે ! જે કંઈ આવડતું હોય એ પણ એ ભૂલી જાય છે. આજે બાળકને ભણવામાં રસ પડે ક્યાંથી ? આપણે દોષ કાઢીએ છીએ કે, ‘છોકરાઓને ભણવું જ નથી ગમતુંબાળપણ છે એટલે નિજાનંદની મસ્તી માણવાનું તો એને ગમે જ ને ! પણ ભણવામાં રસ પડે એવું વાતાવરણ આપણે માબાપ કે સ્કૂલમાં આપી શકીએ તો બાળકને ભણવાનું કેમ ન ગમે ! ઈશ્વરે એને જિજ્ઞાસાવૃત્તિ આપી છે. એના પોષણ માટે તો એ સતત મથામણ કરે જ છે, સતત પ્રશ્નો પૂછ્યા જ કરે છે. પણ એની અનુકૂળતા જ ન મળે તો એમાં એનો શો દોષ ! એને રીતસર રોજ ભણાવવા ન બેસો તો ચાલશે, પણ તમારો છેડો પકડી તમને દિવસ દરમ્યાન જે પ્રશ્નો પૂછે એના વ્હાલથી, સમજથી, સૂઝથી જવાબો આપશો તોય તેને ઘણું જ્ઞાન પ્રાપ્ત થશે. પ્રશ્ન માત્ર આપણા બાળકમાં સતત રસ લેતા રહેવાનો છે. તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપવાનો છે. માત્ર બીક બતાવી ધાર્યું કરાવવાથી બાળકનું ભણતર કે ઘડતર કશું જ નહીં કરી શકાય. એ રીતે તો એ મૂરઝાઈ જશે, એને ખીલવા દો.


ડૉ. ઊર્મિલા શાહ