તમારા ઘરમાં એક એવી વસ્તુ હોઈ શકે છે, જે કદાચ
તમારા માટે નકામી છે પણ તે કોઇ એક બાળકના નિર્દોષ ચહેરા પરનું સ્મિત બની શકે છે
અને તેને શાળાએ જઇ ભણવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. એ વસ્તુ છે, સાઇકલ.
મુંબઇ સ્થિત બિઝનેસમેન હેમંત છાબરા, પત્ની
સંગીતા છાબરા અને પત્રકાર મિત્ર સિમોના ટેરન સાથે મળીને એક પ્રોજેક્ટ પર કામ કરી
રહ્યાં છે. તેનું નામ છે, ‘ધ બાઇસિકલ પ્રોજેક્ટ’.
આ પ્રોજેક્ટ હેઠળ તમે તમારા ઘરમાં પડેલી જૂની સાઇકલ રિપેર કરાવીને કે પછી
રિપેર કરાવ્યા વગર દાનમાં આપી શકો છો કે જેથી શિક્ષણથી વંચિત એક ગરીબ બાળક પોતાના
ઘરેથી પાંચ-સાત કિલોમીટર દૂર આવેલી શાળાએ ભણવા માટે જઇ શકે.
ઈકો-ફ્રેન્ડલી બેગ બનાવવાનો વ્યવસાય કરતા હેમંત છાબરા છેલ્લાં ૨૦ વર્ષથી
થાણાથી ત્રણ કલાકના અંતરે આવેલા વિક્રમગઢના જડપોલી ગામે પોતાના ઓર્ગેનિક ફાર્મ
હાઉસમાં રહે છે. તેઓ કહે છે, ‘બાળકોને
જયારે પૂછ્યું કે તમે કેમ ભણવા જતાં નથી? તો ખબર
પડી કે શાળા ગામથી ઘણી દૂર છે. ટાઢ, તડકો, વરસાદમાં
ચાલીને જવામાં ઘણી મુશ્કેલી છે, બસ માટે
કલાકો સુધી ઊભા રહેવું પડે છે અને રિક્ષામાં જવા માટેના પૈસા નથી. આ સાંભળીને મને
મારા પિતાજી યાદ આવી ગયા. તેઓ પણ પાંચ કિલોમીટર ચાલીને શાળાએ જતા. મને થયું આટલાં
વર્ષે પણ પરિસ્થિતિ બદલાઇ નથી. મને તેમના માટે કંઇક કરવાનો વિચાર આવ્યો. પત્ની
સંગીતા અને મિત્ર સિમોનાએ મને પ્રોત્સાહિત કર્યો. અમે શહેરમાં સડતી, ધૂળ ખાતી
અને ભંગાર બની ગયેલી સાઇકલોને રિપેર કરીને બાળકોને આપવાનો વિચાર કર્યોઅને આમ અમારા
કામની શરૂઆત થઇ.’
માઉથ પબ્લિસિટી અને ઇ-મેઇલ દ્વારા લોકો સુધી અમારી વાત ફેલાવા માંડી. ‘અમને ખૂબ
સારો પ્રતિસાદ મળી રહ્યો છે,’ હેમંત
છાબરા કહે છે, ‘શરૂઆતમાં અમે એક-એક સાઇકલ લેવા જતાં, પણ
પાછળથી એકસાથે આઠથી દસ સાઇકલ ભેગી થાય પછી જ જવાનું રાખ્યું.’ ૨૬
જાન્યુઆરી, ૨૦૦૮થી સાઇકલનું ડિસ્ટ્રિબ્યુશન શરૂ થયું.
પહેલે જ દિવસે ૬૮ સાઇકલો ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી. અત્યાર સુધીમાં એમણે ૭૦૦થી
વધુ સાઇકલ એકત્ર કરી છે.
સંગીતા છાબરા જણાવે છે, ‘બાળક શાળાથી કેટલે દૂર રહે છે, શાળામાં
તેની હાજરી કેવી છે, ભણવામાં તે કેવો સિન્સિયર છે વગેરે માપદંડને
આધારે સાઇકલ અપાય છે. સાઇકલ મેળવનારાં બાળકોનો અભ્યાસ સુધર્યોછે. કેટલાંક બાળકો
બીજા બાળકને ડબલ સીટમાં બેસાડી શાળાએ લઇ જાય છે!