Sunday, February 6, 2011

Bodh Varta : ઈમાનદાર ઈશ્વરને વહાલો

આપણા પર ગમેતેટલાં દુ:ખ આવે પરંતુ ઈમાનદારીપૂર્વક વર્તીએ તો ઈશ્વર જરૂર સહાય કરે છે. એક હતો છોકરો. છોકરો ઘણો ગરીબ હતો. એક વખત તેની બહેન માંદી પડી. તેની પાસે દવા પૂરતા પણ પૈસા ન હતા. છતાં પણ કોઈ પાસેથી પૈસા મેળવીને તે દવા લેવા જતો હતો. જતાં જતાં રસ્તામાં તેણે એક પુસ્તક રસ્તા પર પડેલું જોયું. છોકરાએ પુસ્તક ઉપાડી લીધું અને જેવું પુસ્તક ખોલ્યું કે તરત તેમાંથી પચાસ ડૉલરની નોટો મળી આવી. છોકરો ગરીબ હતો પરંતુ પ્રમાણિક પૂરેપૂરો હતો. એટલે નોટો લઈને પાછી પુસ્તકમાં મૂકી દીધી અને જેની નોટો હતી તે માલિકને પાછી આપવાનો તેણે નિશ્ચય કર્યો.
ઘેર આવી તેની માને નોટો બતાવીને કહ્યું, ‘મા, આ નોટો મને રસ્તામાંથી મળી છે. પણ જેની નોટો હશે તેને કેવું દુ:ખ થતું હશે ? આટલા રૂપિયા મેળવતાં તેને કેટલીય મહેનત પડી હશે ! આ પૈસા આપણાથી વપરાય જ નહિ અને જો વાપરીએ તો પ્રભુ આપણા પર નારાજ થાય એટલે હું એના માલિકની શોધ કરવા જાઉં છું.’ છોકરાની મા પણ ઘણી ગરીબ હતી. દીકરીની બીમારીમાં પૈસાની તેને સખત જરૂરત પણ હતી. છતાં પણ હરામનું ધન લેવા તેનું મન જરા પણ લલચાયું નહિ. તેણે ખુશ થઈને દીકરાને કહ્યું : ‘બેટા, પ્રભુએ તને સદબુદ્ધિ આપી તે જાણી મને આનંદ થયો છે. બેઈમાનીની કમાણી આપણે ન જોઈએ. જેની નોટો છે તેને તું પાછી આપી આવ.’
બીજે દિવસે તેણે વર્તમાનપત્રમાં જાહેરખબર છપાવી. ખબર વાંચતાં જ તેનો માલિક પેલા છોકરાને ઘેર પહોંચી ગયો. જઈને જોયું તો ગરીબ છોકરો તેની બીમાર બહેન પાસે બેઠો હતો. આ જોઈ પેલા ધનવાનનું દિલ ગદગદ બની ગયું. તેને થયું કે આટલો બધો ગરીબ હોવા છતાં પણ ઈમાનદાર ! તરત જ તેણે તે નોટો છોકરાની માના હાથમાં મૂકી દઈ કહ્યું કે, ‘મા, આ રકમ તમારી દીકરીની દવા માટે વાપરજો. હું તમારા દીકરાને મારે ઘેર લઈ જાઉં છું. તે હવે મારી પાસે જ રહેશે. તેની ચિંતા કરશો નહિ.’ એ છોકરો આગળ જતાં અમેરિકાના બાહીઆ નગરમાં મોટો પ્રખ્યાત વેપારી બની ગયો. એની ઈમાનદારીનું ફળ ઈશ્વરે આપી દીધું.