ફરી અમેરિકાનાં પ્રવાસે જવાનું બન્યું. પ્રવાસમાં જીવનસંગિની દેવી સાથે હતી. અમેરિકામાં ન્યૂજર્સી રાજ્યમાં આવેલાં ઇઝલીન નામના નાનકડાં રૂપાળા ગામે રહેતાં પુત્ર ગૌરવ અને પુત્રવધૂ શીતલના પ્રેમને કારણે ગયાં. બંને ત્યાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે. માત્રને માત્ર તેઓ સાથે રહેવાના ઉદેશથી અમેરિકા ગયાં. અમેરિકા જવા ભાવનગરથી મુંબઈ ગયાં અને મુંબઈથી અમેરિકાનાં નેવાર્ક નામનાં જમ્બો એરપોર્ટ ઉપર ઊતરેલા. અધધ મોટું એરપોર્ટ, ચાર માળનું એરપોર્ટ! એરપોર્ટનાં ચોથા માળેથી ટ્રેન મળે. એટલે સમજીવિચારીને દીકરો એરપોર્ટ પર તેડવા આવેલો!!
મુંબઈ એટલે ભારતનો પશ્ચિમ કાંઠો અને નેવાર્ક(ન્યૂજર્સી) એટલે અમેરિકાનો પૂર્વ કાંઠો.પૃથ્વીના ગોળામાં બંને સામસામા. એક જગ્યાએ દિવસ હોયતો બીજી જગ્યાએ રાત્રી. મુંબઈથી નેવાર્ક એરપોર્ટ તેર હજાર કિમી જેટલું દૂર થાય. પાંચેક વરસ પહેલાં અમેરિકા ગયેલા ત્યારે લગભગ અડધેક અંતરે પેરિસ આવેલું અને ત્યાં પ્લેન કલાકેક માટે રોકાયેલું. પણ આ વખતે નોન-સ્ટોપ પહોંચી ગયાં, અને તે પણ પંદર જ કલાકમાં. હવે પછીની પેઢી બે-પાંચ કલાકમાં પહોંચી જાય તો નવાઈ નહિ!! મુંબઈથી ઊપડેલું પ્લેન કચ્છ, પાકિસ્તાન, કંધાર, કાબુલ, મોસ્કો અને કેનેડાની આસપાસ થઈને નેવાર્ક પહોચ્યું. પ્લેનમાં દરેક મુસાફરની સીટ સામે લગાવેલા ટીવીસ્ક્રીનમાં સમગ્ર સફરનો નકશો જોવાની અનેરી મજા આવે. ગૂગલ અર્થની આ જબરી કમાલ. હવાઈસફરનો બધો જ સમય રાત્રીનો રહ્યો, તેથી બહારનું જોવાની મજા ગુમાવવી પડી, પણ ક્યાંક ક્યાંક મોટા શહેરોની ઝગમગતી લાઈટોનો અદ્દભુત નજારો મનમોહક બની રહેતો.
પ્લેનના ટીવીસ્ક્રીન ઉપર પ્લેન પાંત્રીસ હજાર ફૂટની ઊંચાઈએ, એટલે કે જમીનથી લગભગ સાતેક કિમી ઊંચે, નવસો કિમી જેટલી ઝડપે અને શૂન્યથી પણ નીચે સાઈઠ ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાંથી પસાર થઇ રહયું છે તેવું દર્શાવે, ત્યારે અતિ રોમાંચ થતો.
અમેરિકા જવા નીકળ્યા ત્યારે ગુજરાતમાં ચોમાસુ જામેલું હતું ઘણો સારો વરસાદ હતો, નવરાત્રી આવવામાં હતી એટલે બધે જ ખુશાલીનો માહોલ હતો. અમેરિકા જવા અમારા માટે આ સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસનો સમય ઘણો અનુકૂળ રહ્યો.
અમેરિકાનો વિસ્તાર ભારત કરતાં પાંચ ગણો મોટો પણ વસ્તી ભારત કરતાં પાંચમાં ભાગની. આમ સીધીરીતે જ અમેરિકા અને આપણા ભારત વચ્ચે પચ્ચીસ ગણો તફાવત. સમૃદ્ધિમાં પણ અધધધ તફાવત. આવા અમેરિકામાં બધીજ વ્યક્તિ પાસે કાર હોવી એ સ્વાભાવિક છે. તે વિના કોઈ રોજિંદો વ્યવહાર થઇ શકવો લગભગ અસંભવ છે. પુત્ર અને પુત્રવધૂ બંને સ્પોર્ટ્સ કારનો ઉપયોગ કરે. વધુમાં એક એન્ટીક પીસ જેવી જીપ પણ ખરી!
પુત્રવધૂ ભવ્યાતિભવ્ય ન્યૂયોર્ક શહેરમાં નોકરી કરે. રોજે ઘરેથી પોતાની સ્પોર્ટ્સ કાર લઈને ન્યૂયોર્ક જાય. રોજનું લગભગ નેવું કિમી. આવનજાવન થાય.રસ્તા અફલાતૂન એટલે સરળતાથી નોકરીના સ્થળે પહોંચી જાય. સવારે સાત વાગે જાય તે રાત્રે આઠેક વાગે ઘરે પરત આવે. જરૂર પડે ઓફીસના અરજન્ટ કામ માટે ઘરે મોડી રાત્રી સુધી પણ કામ કરે.
પુત્ર ઘરે રહીને જ ઓફિસનું કામ કરે. તેની કંપનીનો મોટાભાગનો સ્ટાફ ઘરે રહીને જ કામ કરે. અમેરિકામાં ઘણીબધી કંપનીમાં આવા નિયમો છે! પુત્ર સવારે નવ વાગે લેપટોપ અને સ્માર્ટ-ફોન લઈને પોતાનાં અલાયદા ઓરડામાં બેસી જાય. બપોરે જમવા પૂરતો બહાર આવે. જમીને પાછો સાંજના પાંચ સુધી એક ધારો કામ કરતો રહે. અમારી સાથે જમવા અને ચા પીવા પૂરતો બહાર આવે. ઓફિસ સાથે ટેલી-કોન્ફરન્સ ચાલતી રહે. ઘરે પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરે. કોઈ કામકાજ સબબ જરૂર પડે ઓફિસે જવાનું. જરૂર પડે ઓફિસનું અરજન્ટ કામ રાત્રીના પણ કરે. ઓફીસ કામમાં કાગળ પેનનો ક્યાંયે ઉપયોગ નહીં, પેપરલેસ ઓફિસ. આ છે ટેકનોલોજીની કમાલ. આ છે અમેરિકાની કામકાજની તરાહ. ગુજરાત સરકાર પણ પેપરલેસ ઓફિસ માટે ઘણાં સમયથી મથી રહી છે. કાગળ અને પેનના બદલે કમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં સમય જાય છે, પણ તેના મીઠાં ફળ જરૂરથી મળશે.
વધુ આવતા અંકે....