Tuesday, August 13, 2013

મધરાતના સૂરજનો દેશ નોર્વે

નોર્વેના ઉત્તર ભાગમાં મઘ્ય મેથી જુલાઇના અંત સુધી દિવસ-રાત સૂર્યપ્રકાશ રહે છે અને સૂર્યાસ્ત થતો જ નથી. ધીરે ધીરે સૂર્ય છુપાવા લાગે છે, સમય લંબાતો જાય છે અને નવેમ્બરના અંતમાં સૂર્યોદય થવાનું બંધ થઇ જાય છે. નવેમ્બર અંતથી જાન્યુઆરી સુધી સૂર્યોદય નથી થતો અને પછી પાછો ઉદય થવા લાગે છે. અહીં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી લગભગ પુરુષને સમકક્ષ છે. કળાપ્રેમીઓને જલસો પડી જાય એવાં વિવિધ સંગ્રહસ્થાન, આર્ટગેલરી, થિયેટર વગેરે અહીં છે. એનો આરંભ તમે નેશનલ ગેલરીમાંના હિસ્ટરિક મ્યુઝિયમથી કરી શકે છે. 

સાગરકિનારે વસેલા નોર્વેનું મુખ્ય બંદર ઓસ્લો છે. ઓસ્લો ચીક વૃક્ષોથી ઢંકાયેલા પહાડો વચ્ચે વહેતા સાગર પ્રવાહ ફરતે વસેલું છે. નોર્વે મધરાતના સૂરજના દેશનામે પણ ઓળખાય છે. ૭૦ ટકા ભૂમિ પર્વતો, હિમખંડો, નદીઓ અને વેરાન જમીનથી ઢંકાયેલો હોય એવો નોર્વે અત્યંત રમણીય દેશ છે. 

નિર્મળ અને પ્રદૂષણમુક્ત વાતાવરણ એની ખાસ વિશેષતા છે. નોર્વેના ઉત્તર ભાગમાં મઘ્ય મેથી જુલાઇના અંત સુધી દિવસ-રાત સૂર્યપ્રકાશ રહે છે અને સૂર્યાસ્ત થતો જ નથી. ધીરે ધીરે સૂર્ય છુપાવા લાગે છે, સમય લંબાતો જાય છે અને નવેમ્બરના અંતમાં સૂર્યોદય થવાનું બંધ થઇ જાય છે. 

નવેમ્બર અંતથી જાન્યુઆરી સુધી સૂર્યોદય નથી થતો અને પછી પાછો ઉદય થવા લાગે છે. અહીં રાજકારણમાં મહિલાઓની ભાગીદારી લગભગ પુરુષને સમકક્ષ છે. કળાપ્રેમીઓને જલસો પડી જાય એવાં વિવિધ સંગ્રહસ્થાન, આર્ટગેલરી, થિયેટર વગેરે અહીં છે. એનો આરંભ તમે નેશનલ ગેલરીમાંના હિસ્ટરિક મ્યુઝિયમથી કરી શકે છે. 

અહીં મૂર્તિઓ, ચિત્રો, રેખાચિત્રો વગેરેનો સમૃદ્ધ ભંડાર છે. નોર્વે મ્યુઝિયમ, નોર્વે લોકકળા મ્યુઝિયમ, મંચ મ્યુઝિયમ, ધ વાઇકિંશ શિપ મ્યુઝિયમ, ચિલ્ડ્રન આર્ટ મ્યુઝિયમની મુલાકાત પણ અવશ્ય લેજો. અહીંના ઓપેરા હાઉસની ઇમારત દુનિયાની સર્વાધિક શાનદાર ઇમારતોમાંની એક છે. 

કાર્લજોહાન્સ માર્ગ પર ખાણી-પીણીની જબરા વૈવિઘ્યવાળી હોટેલ્સ અને ફાસ્ટફૂડ રેસ્ટરાં છે. નજીક જ નેશનલ થિયેટર અને યુનિવર્સિટી પાર્લમેન્ટ છે. થિયેટર સાથે અહીંના મશહૂર કોફી હાઉસમાં કોફીની લિજ્જત અવશ્ય ઉઠાવજો. 

અહીંનો સિટી હોલ પણ દર્શનીય છે. વિશ્વના ઉત્તમ વિજ્ઞાનીઓ, સાહિત્યસર્જકો, સમાજસેવકો અને અન્ય મહાનુભાવો અહીં ૧૦ ડિસેમ્બરે એકત્રિત થાય છે. એ દિવસે અહીં જ વિશ્વનું સર્વોચ્ચ એવું નોબેલ પારિતોષિક એનાયત થાય છે. 

બ્રિજોમ્સ સ્થિત ઐતિહાસિક નાર્સ કૌફ મ્યુઝિયમ પણ જોવાલાયક છે. અહીંનાં વિશ્વપ્રસિદ્ધ વિગલૈન્ડ સ્પાર્કન અને બોટનિકલ ગાર્ડનની સહેલ કરવાનું ન ભુલાય એનું ખાસ ઘ્યાન રાખશો. નોર્વે સ્કીઇંગ માટે ફેમસ છે. આ શોખ ધરાવતા લોકોને તો ભરપૂર મજા મળી રહે છે. ટ્રાનધેમ શહેરના રેલવે સ્ટેશન સામે જ એક મોટી નહેર છે, જેમાં જહાજ પણ ચાલે છે. અહીં રોકાઇને મધરાતે સૂરજ જોવાનો વિરલ રોમાંચ અનુભવી શકાય છે. 

નોર્વેનું બીજું મોટું શહેર બર્ગેન આર્કટિક સમુદ્રકિનારે વસેલું પ્રાકૃતિક સૌંદર્ય માટે ખૂબ મશહૂર સ્થળ છે. એ ગોળાકાર છે અને ચારે તરફ પર્વતોથી ધેરાયેલું છે. બ્રિગન હેનેસ્ટિક ઘાટ પર બનેલાં રંગીન લાકડાંનાં ઘરો, વળાંકવાળી ગલીઓમાં ફરવાની મજા કંઇ જુદી જ છે. 

૧૨મી સદીમાં બનેલું સેન્ટ મેરી ચર્ચ અહીંનું વિશેષ આકર્ષણ છે, એ ખાસ જોજો. પ્રકૃતિ સૌંદર્યથી હર્યુંભર્યું શાંત-સુંદર સ્થળ અને ગીચ જંગલો જોવામાં તમને રસ પડતો હોય તો નોર્વે તમારે માટે આદર્શ સ્થાન છે.

Monday, August 12, 2013

મિત્રો પ્રેરણાનું ઝરણું હોઇ શકે છે.

આ ચાર વર્ષના મારા શિક્ષકજીવન દરમિયાન મારી પાસે કેટલાય વિદ્યાર્થીઓ આવ્યા. કેટલાક હોશિયાર આવ્યા અને કેટલાક ઠોઠ આવ્યા. એમાં મારી પાસે એક વિદ્યાર્થી એવો વ્યો કે જેને અંગ્રેજી વાંચતાં કે લખતાં આવડતું ન હતું. અંગ્રેજીના મૂળાક્ષરો પણ તે ઓળખી શકતો નહી. મેં તેને અંગ્રેજી શિખવાડવાનો ઘણો જ પ્રયાસ કર્યો પણ તેને અંગ્રેજી વાંચતાં કે લખતાં આવડ્યું નહી. આ પ્રયાસ બે વર્ષ સુધી ચાલ્યો, તો પણ તે શીખી શક્યો નહીં. છેવટે મેં હિમ્મત ગુમાવી અને વિચાર્યું કે હવે વધારે મહેનત કરવી નથી.

આટલી મહેનત બીજા વિદ્યાર્થી પાછળ કરીશ તો ફળશે પણ ખરી! મેં આવું વિચાર્યું એના બે દિવસ પછી મારો મિત્ર કુણાલ વરિયા મને મળ્યો. મારો આ મિત્ર અમદાવાદની બી.એડ. કોલેજમાં અભ્યાસ કરે છે. તેની કોલેજની વાત કરતા તેણે જણાવ્યું કે ત્યાં તેમને એક અભણ બાળકને ભણાવવાનું કાર્ય સોંપવામાં આવે છે. એમની તાલીમ પામી જેટલું બાળક વધારે હોશિયાર થાય તે પ્રમાણે તેમની યોગ્યતા અને ગુણ નક્કી થાય છે. મારા મિત્રએ કહ્યું કે તેણે એક અંધ બાળકને ભણાવવાનું કામ પોતાના હાથમાં સ્વેરછાએ લીધું છે. જે ખરેખર એક મોટો પડકાર છે.

અંધ બાળકને ભણાવવાનું અને તે પણ જે અભણ હોય! મારા મિત્રે કહ્યું કે જો આ બાળક પોતાનું નામ લખતા પણ શીખશે તો તેનું શિક્ષકજીવન સાર્થક થઇ જશે. તેની આ વાત સાંભળી મને એક નવી જ પ્રેરણા મળી. મારા અધૂરા પ્રયાસ અને નિષ્ફળતા સામે મને તેનો દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ હિમાલય કરતા પણ વધુ અડગ લાગ્યા. મને એક નવી જ પ્રેરણા, નવી જ ચેતના મળી અને મેં પેલા ઠોઠ વિદ્યાર્થીને બમણા ઉત્સાહથી અને આત્મવિશ્વાસથી ભણાવવાનું ચાલુ કર્યું. હવે મને ખરેખર સમજાય કે મિત્રો ખાલી હરવા-ફરવા કે ટોળટપ્પા કરવા નથી હોતા. મિત્રો પ્રેરણાનું ઝરણું હોઇ શકે છે. પ્રેરણાનો સ્ત્રોત હોઇ શકે છે.
અભિષેક સુરેશચંદ્ર સોની

Sunday, August 11, 2013

કસોટી

એક આખું મંદિર શ્વેત આરસ પહાણથી બનાવવામાં આવેલ, તેની પ્રતિમા પણ શ્વેત સંગેમરમર ની. પગથીયા પરથી કોઇ ઉપર જાય એટલે પગથીયાનો પત્થર રડે. એક વાર મુનિજી મંદિરે આવ્યા ત્યારે પગથીયા નો રડવાનો અવાજ સાંભળ્યો અને તેનુ કારણ પુછ્યું.
પગથીયા નો પત્થર કહ છે કે હું અને પ્રતિમા એક જ શિલા માંથી બનેલા છીએ છતા આટલો ભેદભાવ કેમ? મારા પર લોકો પગ રાખે અને બીજા ને મસ્તક નમાવે.... માટે હું રડુ છું.
મુનિજી જવાબ આપે છે કે જ્યારે પ્રતિમાનું નિર્માણ સમયે તુ બટકી ગયો જ્યારે પ્રતિમાનો પત્થરે ટાંકણાના અસંખ્ય ઘા સહન કર્યા.
જે ટીપાય છે તે જ તેજસ્વી બને છે જીવન માં પણ આવુ જ બને છે, કસોટી જીવનમાં આવ્યા જ કરે પણ કસોટી માંથી ઉતરે તે પૂજન યોગ્ય બને.

Wednesday, August 7, 2013

ઉપવાસ કેમ કરવામાં આવે છે ?



આ પ્રશ્નનો ઉત્તર મેળવતાં પહેલાં ઉપવાસશબ્દનો અર્થ જાણી લઈએ. ઉપએટલે સમીપે નજીક અને વાસએટલે રહેવું. ઉપવાસ એટલે નજીક રહેવું. તો બીજો સવાલ એ ઊઠે છે કે કોની નજીક રહેવું ? તો તેનો જવાબ છે કે એ પરમતત્વની નજીક રહેવું જેણે આ સકળ સંસારને સ્વયંસંચાલિત રીતે હર્યોભર્યો રાખ્યો છે. બહુ સાદા શબ્દોમાં કહીએ તો ઉપવાસ એટલે પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવેલો સમય.

અનાજ મેળવવું, તેને સાફ કરવું, રાંધવું, ખાવું અને પચાવવું આ સમગ્ર ક્રિયામાં પુષ્કળ સમય અને શક્તિ ખર્ચાય છે. આવા સમયે ક્યારેક બિલકુલ ખાધા વિના માનવી એટલો સમય અને શક્તિ બચાવી તેનો ઉપયોગ પરમાત્માની સમીપ રહેવા માટે ફાળવવાનો સંકલ્પ કરે તો તેને શારીરિક અને માનસિક બંને રીતે લાભ થાય છે. આપણા પૂર્વજો અને ઋષિમુનિઓએ મહિનામાં બે, ચાર કે અમુક દિવસો એવા નક્કી કર્યા હતા કે જે દિવસે વ્યક્તિ કશું ખાધા વગર રહે એટલે કે ઉપવાસ કરે તો તેને શારીરિક અને માનસિક શાંતિ અને શાતા મળે. આ સિદ્ધ થયેલી હકીકત છે. કેટલાંક લોકો આવો ઉપવાસ કરી શકતા નથી હોતા તો તેઓ માટે આપણા પૂર્વજોએ એકટાણાંનો વિકલ્પ સૂચવ્યો છે, જેમાં દિવસ દરમિયાન વ્યક્તિ એક જ વાર ભોજન લે છે. આ ઉપરાંત ઉણોદરી વ્રતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં વ્યક્તિ ભૂખ કરતાં ઓછું જમે છે તો વળી ભર્યા ભાણાનું પણ વ્રત હોય છે જેમાં વ્યક્તિ થાળીમાં પીરસાઈ જાય પછી બીજી વખત કોઈ પણ ચીજ લેતા નથી હોતા.
ઉપવાસ કે એકટાણા માટેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે આપણા પાચનતંત્રને અમુક અમુક દિવસોના અંતરે આરામ જોઈતો હોય છે. આવો આરામ મળતા પાચનતંત્ર સારી રીતે કામ કરવા ફરીથી સજ્જ થઈ જાય છે. આપણને સૌને અનુભવ છે કે દરેક યંત્ર કે તંત્રને થોડા થોડા દિવસે આરામની જરૂર હોય છે. મહિનો થાય એટલે કોઈ પણ યંત્રને સાફસૂફ કરવું પડે છે. તેના પૂર્જાઓમાં ઑઈલ પૂરવું પડે છે. તો કચેરીઓમાં ચાલતા તંત્રને અઠવાડિયે એક રજા આપવામાં આવે છે જેથી તેમાં કામ કરનારાઓ ફરી તાજામાજા થઈ કામ કરવા પુન:સજ્જ થઈ જાય છે. તો શરીરના તંત્રનો શું વાંક ? શું તેને થોડા થોડા સમયના અંતરે આરામ ન આપવો જોઈએ ? જરૂર આપવો જોઈએ.
અગાઉના સમયમાં આપણા પૂર્વજોએ જોયું હતું કે જો કોઈ પણ વાત સમાજના ગળે ઉતારવી હોય તો તેને ધર્મનો લેપ લગાડવાથી તેનો જલદી સ્વીકાર થાય છે. આથી ધાર્મિક વિધિમાં ઉપવાસથી પુણ્યમળે છે તે વાત સાંકળી લેવામાં આવી હતી. પુણ્યની વાત જવા દઈએ તો પણ ઉપવાસના દિવસે પરમેશ્વરની વધુ નજીક રહેવાનો સમય આપણને જરૂર મળે છે. બીજું ઉપવાસથી જાત ઉપર અનુશાસન આવે છે અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ પાચનતંત્રને આરામ મળે છે. બધા લોકો ઉપવાસ કરી શકતા હોતા નથી તેથી ઉપવાસ કરનારને કેટલું કષ્ટ પડતું હશે તેવો તેમને વિચાર આવે છે અને ઉપવાસ કરનાર પ્રત્યે તેમને અહોભાવ જાગે છે. ક્યારેક અન્યાયનો સામનો કરવા માટે પણ ઉપવાસનું શસ્ત્ર ઉગામવામાં આવે છે. મહાત્મા ગાંધીએ અંગ્રેજોના શાસન વિરુદ્ધ ઉપવાસો કર્યા જ હતા.