વહેલી સવાર હતી, અને એક ફુલના છોડના પાન પર એક પાણીનું ટીપુ હતું…એ
પાણીનું ટીપુ વિચાર કરે : ” હું કોણ ?” જગત પરનું બધું એણે નિહાળ્યુ. વાવ – કુવાઓ અને
તળાવો તેમજ ઝરણા – નદીઓ અને સરોવરો નિહાળી કહેવા લાગ્યું કે : ” આ બધા મારા લીધે છે.” મોટા સમુદ્રો અને મહાસાગર તરફ આંગળી કરી ગર્વથી કહેતું રહ્યુ કે : ” આ પણ મારૂ જ સ્વરૂપ છે .” જગત પરની સર્વ વનસ્પતિ, જીવજંતુ અને પ્રાણીઓમાં પાણીનો અંશ છે એવું દર્શાવી એણે એવો દાવો કર્યો કે : ” આ બધા તો મારી ક્રુપાથી જીવી રહ્યા છે.” જગતના માનવીઓ કરતાં પણ એણે એની કિંમત વધુ ગણી અને એના ગર્વની સીમા ન રહી. હવે તો એ આકાશ તરફ જોવા લાગ્યું, અને બોલ્યું : ” આ બધા વાદળો મારા લીધે, અને હું જ મેઘરૂપે જમીન પર વરસુ. હું જો જમીન પર ન આવું તો સૌનો નાસ જરૂર….અરે, હું જ સૌનો પ્રાણ છું.”
પોતે ઇશ્વર છે એવું માની, હવે એ પાણીનું ટીપું ગર્વથી નાચવા લાગ્યું. એણે ઉપર આકાશમાં, સવારના સુરજને નિહાળ્યો….તેમજ, રાત્રીના ચંદ્ર, તારલા અને ગ્રહો વિષે વિચારી, ગર્વમાં સ્નાન કરી કહેવા લાગ્યું : ” આ સર્વ પણ મારા લીધે નભી રહ્યા છે.” અરે, અંતે એ પાણીનું ટીપું બોલ્યું : ” આ અખિલ બ્રહ્માંડ મારે લીધે જ છે !” આવા મહાભ્રમના ચક્કરમાં પાણીનું ટીપુ હતું ત્યારે અચાનક પવન આવ્યો. ફુલના છોડ પરનું પાન હાલ્યું, અને પાણીનું ટીપું નીચે પડવા લાગ્યું. પડતાં પડતાં જ્યારે સુરજના તેજમાં પીગળતું હતુ ત્યારે ગળગળતા સ્વરે એ પાણીનું ટીપુ કહી ગયુ : ” હું તો પ્રભુનુ બનાવેલુ એક રમકડુ હતુ. અજ્ઞાનતાનાં અંધકારમાં રહી મેં અતિ ગર્વ કર્યો હતો. પ્રભુ મને માફ કરો…

